લગ્ન પ્રસંગે થતી વિધિઓ આપણે નિહાળીયે છીએ અને ગોરબાપા બોલતા હોય તે આપણે સાંભળીયે છીએ પણ તે બધાનો શું અર્થ હોય છે. તે આપણે જાણતા હોતા નથી. વરરાજા પરણવા આવે ત્યારે તેમને પોંખવામાં આવે છે. આ વખતે ગોરબાપા લાકડાના બનાવેલા નાનો રવઈયો, મુશળ ધ્રુસરી, તરાક વરરાજાના માથેથી ઉતારે છે અને પગથી કોડિયું ભંગાવી પ્રવેશ કરાવે છે આનો શું હેતુ છે? શું રહસ્ય છે ? તેમજ બીજી વિધિઓનું શું છે ?
લગ્ન:
બે વિજાતિય દેહનું જોડાણ તેનું નામ લગ્ન પણ તેનો ખરો અર્થ તો એવો છે કે બે દેહ દ્વારા બે મન એક કરવા. એનાથી પ્રેમ પ્રગટે, આત્મિયતા વધે અને અંદરના આંતરિક સૌંદર્યને જોઈ સુખનો અનુભવ થાય એ જ ખરૂં લગ્ન છે. વરઘોડો:
ઈન્દ્રિયોના ઘોડાને અંકુશમાં રાખવા માટેની ચેતવણીનું આ પ્રથમ પગલું છે.
પોંખણું:
વરરાજા પરણવા આવે ત્યારે તેમને લાકડાના બનાવેલા નાના રવઈ, મુશળ, ધુંસરી અને તરાકથી સાસુ પોંખેં છે. તેનો અર્થ આ પ્રમાણે છે: રવઈયો:
માખણ કાઢવા માટે જેમ દહીંને રવૈયાથી ઝેરવામાં આવે તેમ જીવનને પ્રેમમય બનાવવા માટે મનના તરંગોનું મંથન કરીને પ્રેમનું દોહન કરવા જણાવે છે. મુશળ:
અતિ વાસનાઓને મુશળ (સાંબેલા) થી ખાંડી નાખી, પ્રેમ પ્રગટાવવાનું કહે છે. ઘુંસરી:
સંસાર રૂપી રથને પતિ પત્ની રૂપી બે ચાલકો છે. આ બંને ચાલકો શિલ અને સંયમના ચીલામાં સમાંતર રૂપે ચાલીને જીવન રથને સહકાર અને પ્રેમથી ખેંચી સુખી થાય, એમ કહેવા માગે છે. તરાક:
લગ્ન જીવન રેટિંયા જેવું છે. પતિ પત્ની રૂપી બે ચક્રને પ્રેમની દોરી વડે આ તરાક (ચાક)ને બંધાયેલા અને ફરતા રાખે તો જ સ્નેહ રૂપી સુતર નીકળે એમ કહેવાનો મતલબ છે. આમ પોંખવ આવનાર સાસુ વરને માંયરામાં આવતા પહેલા સાવધાન કરે છે. એનો જવાબ વર સંપૂટ તોડીને આપે છે. સંપુટ:
વરને પોંખી લીધા પછી બે કોડિયાના સંપુટને પગ તળે ભાંગીને વર માયરામાં પ્રવેશે છે. આનાથી વર એમ કહેવા માંગે છે કે તમારી ચેતવણી હું સમજ્યો છું પણ મારા એકલાની આશા, ઈચ્છા, અરમાનો પર હું હવે નહિ ચાલું. એનો અહિં ભાંગીને ભુક્કો કરૂં છું. હવેથી અમારા બંનેની આશા, ઈચ્છા અને અરમાનો એક હશે તે પ્રમાણે જ જીવન યાત્રા કરીશું.
વરમાળા:
ફુલના હારથી વરકન્યા અરસ પરસનું સ્વાગત કરે છે પણ ગોરબાપા સુતરની એક આંટી બંનેના ગળામાં પહેરાવે છે. આમ એક જ હારથી બંનેના હૈયા એક કરવાનો પ્રયાસ છે.
હસ્તમેળાપ:
લગ્ન વિધિનું આ મુખ્ય અંગ છે. પોતાની પુત્રીનો હાથ (પાણિ) મા-બાપ વરરાજાને સોંપે છે અને વરરાજા તેનો સ્વિકાર (ગ્રહણ) કરે છે. આ વિધિને પાણિગ્રહણ કહે છે અને એથી થતો હસ્તમેળાપ હૈયા મેળાપ બની જાય છે. આ વિધિથી વરઘોડિયાના દેહમાં ઝણઝણાટી જાગે છે. અને હૈયામાં આત્મિયતા પ્રગટે છે. સાથો સાથ જાનૈયા માંડવિયાના મન પણ આનંદ અને ઉલ્લાસથી નાચી ઉઠે છે.
મંગળ ફેરા:
લગ્નના ચાર ફેરા એ પુરૂષાર્થના ફેરા છે: ધર્મ, અર્થ કામ અને મોક્ષ એ ધર્મ શાસ્ત્રોનું પણ ચિંતન છે. ચાર ફેરા ફરવામાં પ્રથમના ત્રણ ફેરામાં પુરૂષ આગળ હોય છે અને ચોથા ફેરામાં સ્ત્રી આગળ હોય છે. આમ કેમ? તો પ્રથમના ત્રણ ફેરાના ત્રણ પુરૂષાર્થ: (૧) ધર્મ-ધર્મ પાળવો પળાવવો (૨) અર્થ-પૈસા કમાવા (૩) કામ-લગ્ન જીવનના સંયમપૂર્વકના હક્કો. આ ત્રણેમાં પુરૂષ આગળ હોય છે અને એને પત્ની અનુસરે છે. થોડાં વિસ્તારથી સમજીએ તો (૧) ધર્મ: સ્ત્રીના પિયરમાં ગમે તે ધર્મ પળાતો હોય પણ પરણ્યા પછી પતિ જે ધર્મ પાળતો હોય તેને જ સ્ત્રી અનુસરે છે અને બીજા ધર્મો, પતિ પ્રત્યેના ધર્મો, કુટુંબ પ્રત્યેના ધર્મો, ઘરના વડિલો પ્રત્યેના ધર્મો, સંતાનો પ્રત્યેના ધર્મો, સગાં સબંધી અને સમાજ પ્રત્યેના ધર્મો, વિ. ધર્મો પણ પતિની મરજી અનુસાર પાળે છે. (૨) અર્થ-પતિ કમાઈને પૈસા લાવે તેનાથી ઘરનું, કુટુંબનું પોષણ કરે છે. સ્ત્રી લક્ષ્મિ કહેવાય છે. ઘરની લક્ષ્મિ પણ આપણે કહીએ છીએ. (૩) કામ: સ્ત્રી એ લજ્જાનું પ્રતિક છે. લગ્ન જીવન માટે વંશવૃધ્ધિ માટે એ હંમેશા પતિની પાછળ જ રહે છે. આ ત્રણેય – ધર્મ, અર્થ અને કામ એ પતિ પત્નીની – ઈચ્છાનુસાર થઈ શક્તા પુરૂષાર્થો છે. જ્યારે ચોથો ફેરો (૪) મોક્ષ એ કોઈની ઈચ્છાનુસાર મળતો નથી. એ તો ધર્મોના નિયમ પાલન અને સેવા સુશ્રુષાથી જ મળે છે અને એમાં સ્ત્રી હંમેશા આગળ હોય છે. સહનશક્તિ, સદાચાર, શીલ આદિ ગુણો સ્ત્રીઓમાં સ્વાભાવિક છે. પતિ, સાસુ, સસરા, વડિલો પ્રત્યેનો આદર સેવા-સમભાવ, નોકરો, ગરીબો પ્રત્યે કરૂણા તથા સંતાનો પ્રત્યે સમતા-મમતા. આ બધા ગુણોનો સમન્વય એટલે સ્ત્રી અને એથી જ એના આવા ગુણોને લીધેજ તે મોક્ષના માર્ગ પર પુરૂષ કરતા આગળ છે અને એટલે જ લગ્નના ચોથા ફેરામાં સ્ત્રી આગળ હોય છે.
સપ્તપદી:
આ શ્ર્લોકો ગોરબાપા બોલતા હોય છે એ દ્વારા વર કન્યા અરસપરસ સાત પ્રતિજ્ઞાઓ લે છે અને એક બીજાને વફાદાર તેમજ સહાયભૂત થવાના કોલ અપાય છે.
મંગલાષ્ટક:
લગ્નવિધિ પૂરો થતાં ગોર બાપા નવદંપતિને આશિર્વાદ આપતા શ્ર્લોકો બોલે છે અને આઠ અષ્ટકો દ્વારા તેમનું દાંપત્ય જીવન સરળ, સફળ અને પ્રસન્ન નિવડે એવી મંગળ કામનાઓનો અનુરોધ કરે છે.
રામ દીવડો:
વિદાય વખતે કન્યાની મા પ્રગટાવેલ દીવડો હાથમાં લઈને વિદાય આપવા આવે છે આનાથી એ એમ કહેવા માંગે છે કે હે દીકરી તેં તારી સેવા, સુશ્રુષાઅને સદગુણોથી જેમ તારા પિતાનું ઘર અજવાળ્યું છે તેમ જ તું તે સંસ્કારોથી તારા પતિના ઘરને પણ અઝવાળજે.
મા માટલું:
માનો પ્યાર, માની મમતા, માનો જીવ અજોડ છે. તેના સાગર જેવડા પ્રેમ અને શુભેચ્છાઓના પ્રતિક રૂપે ધન, ધાન્ય, ફળ, મેવા, મિઠાઈને માટલામાં ભરે છે. આમાં ધન એટલે લક્ષ્મિ સ્વરૂપે સવા રૂપિયો, ધાન્યના પ્રતિક રૂપે મગ, ફળના પ્રતિક રૂપે સોપારી, મેવાના પ્રતિક રૂપે ખારેક અને મિઠાઈના પ્રતિક રૂપે સુખડી અને એ સિવાય ઘણી મીઠાઈઓ વિગેરે પણ મુકાય છે. રિધ્ધિ સિધ્ધિના પ્રતિક રૂપે નાની મોટી શુકનવંતી ચીજો શુભ ચોઘડિયે ભરવામાં આવે છે અને દીકરીને ઘેર સદાય લીલા લહેર રહે તેવી શુભ કામના ના પ્રતિક રૂપે મા માટલાનું મોઢું ઢાંકવાનું વસ્ત્ર લીલા રંગનું હોય છે અને સગાંના સંબંધો કાચા સુતરના તાંતણા જેવા હોય છે તે સહનશિલતાથી સજ્જનતાથી અને સુવ્યવહારથી અતુટ રહે અને વ્યવહારના કામો સાંગોપાંગ પાર ઉતરે એના પ્રતિક રૂપે કાચા સુતરનો દડો મા માટલા ઉપર મુકવામાં આવે છે.
|
No comments:
Post a Comment